યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
bcj high school

બી.સી.જે હાઇસ્કૂલ

ઇ.સ. ૧૯૬૪-૬૫ માં સરકાર ની મંજૂરી. મેળવ્યા સિવાય ધોરણ-૮,૯ અને ૧૦ ની શરૂઆત કરવામાં આવી. વર્ષાંતે મંજુરી મળી. અને ઇ.સ ૧૯૬૫-૬૬ માં ધો-૮ થી ધો-૧૧ ની પૂર્ણ માધ્યમિક શાળા બની. શરૂઆત માં આચાર્ય પદે ધીર ગંભીર અને બાહોશ એવા શ્રી.આર.ડી.બ્રહ્મભટ્ટ (તારાપુરવાળા) ની નિયુક્તિ કરવામાં આવી હતી. ઇ.સ.૧૯૬૬-૬૭ માં ખાનગી ધો-૫ શરૂ કરવામાં આવ્યું. આ સમય આર્થિક કટોકટી ખુબજ રહેતી તે વેળાએ ગાંડાભાઇ મોતીભાઇ પટેલ (જલુંધ), પ્રેમચંદ શીવલાલ શાહ (પીપળોઇ) તથા ઉપરોકત ત્રણે વેપારીઓ બુધ્ધિપૂર્વક તેનો ઉકેલ શોધી કાઢતા. ખંભાતના શ્રી રણજીતરાય શાસ્ત્રીનું પણ માર્ગદર્શન મળતું રહેતુ હતું

શરૂઆતમાં ઉપરોકત શાળાની શરૂઆત જલુંધ ગામના રામજી મંદિરમાં કરવામાં આવી હતી. થોડા સમય બાદ હાઇસ્કૂલ ના બાંધકામ માટેની હિલચાલ શરૂ થઇ. જલુંધના વતની એવા શ્રીમતી ભીખુબેન ચંદુલાલ જલુંધ વાળા ટ્રસ્ટમાંથી રૂ।. ૨૫૦૦૦/- નું પ્રથમ માતબર દાન શ્રી રાણજીતરાય શાસ્ત્રીના પ્રયત્નો થી હાઇસ્કૂલ ને “શ્રીમતી ભીખુબેન ચંદુલાલ જલુંધવાળા હાઇસ્કૂલ, જલુંધ” ના નામથી કરવામાં આવી જે આજે શ્રીમતી. બી.સી.જે. હાઇસ્કૂલ જલુંધ ના નામે ઓળખાય છે. હાઇસ્કૂલના મકાન બાંધકામ માટેની જમીન સ્વ.શ્રી જુગલકિશોર રામશંકર વ્યાસે મંડળને વિનામૂલ્યે દાનમાં આપી. મંડળના અને બંને ગામના નાગરિકોના સંયુકત સાહસ થી દશ ઓરડાનું એક મજલાનું મકાન પાંચવર્ષે સાકાર થયું. ચાલુ બાંધકામે જ હાઇસ્કૂલે નવા બંધાતા મકાન માં સ્થળાંતર કર્યું. શાળાના મેદાન માટેની જમીન શ્રી ચતુરભાઇ નાથાભાઇ એ દાનમાં આપી તથા શ્રી કિશોરભાઇ લલ્લુભાઇની જમીન મંડળે વેચાણમાં લીધી.

સમય જતા સંસ્થાનો વિકાસ થતો રહયો. ઇ.સ.૧૯૭૬ માં શિક્ષણ માળખું બદલાતા માધ્યમિક શિક્ષણ ધો-૮ થી ધો-૧૦ થયું. શાળામાં ઉચ્ચતર ધો-૧૧ નો વર્ગ શરૂ કરવાના પ્રયત્નો થયા પણ વિદ્યાર્થીઓની સંખ્યા ના અભાવે તે શક્ય ન બન્યું.

ત્યારબાદ ઇ.સ. ૧૯૭૮-૭૯ માં શાળાના સુકાની તરીકે પીપળોઇના વતની શ્રી મણીભાઇ છોટાભાઇ પટેલ નિમાયા. શાળાની શરૂઆત કરવામાં તેઓનો અનેરો ફાળો હતો જ. તેઓ દીર્ઘદૃષ્ટિવાળા અને શિક્ષણપ્રેમી હતા. આ સમય દરમ્યાન જયારે ઉચ્ચતર શિક્ષણ ખંભાતમાં જ ઉપલબ્ઘ હતું ત્યારે ૧૯૮૦-૮૧ માં ખંભાત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવાના શ્રી ગણેશ જલુંધ હાઇસ્કૂલ માં મંડાયા. અને ઇ.સ. ૧૯૮૧-૮૨ માં આ શાળામાં ધો-૧૨ નો વર્ગ પણ શરૂ થયો

ઇ.સ.૧૯૭૯ માં ફ્રેબુઆરી માસમાં મંડળે તેના હિસાબો અને અહેવાલ આચાર્ય શ્રી મણીભાઇ ના નેતૃત્વ હેઠળ પ્રસિદ્ધ કર્યો અને શ્રીમતી ભીખુબેન ની પ્રતિમાની અનાવરણ વિધિ થઇ અને તે પ્રસંગે પ્રથમવાર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ શાળાના મકાનના બીજા મજલાના બાંધકામ માં તે સમય ના મંત્રી શ્રી પુનમભાઇ મોતીભાઇ પટેલ (જલુંધ) અને પ્રમુખ શ્રી સોમાભાઇ પ્રભુદાસ પટેલ (જલુંધ) તથા આચાર્ય શ્રી મણીભાઇ પટેલ ના સહિયારા પ્રયત્નોથી આ કાર્ય પરિપૂર્ણ થયું શ્રીમતી ભીખુબેનના ટ્રસ્ટમાંથી તબક્કે ૩૬,૦૦૦/- નું ફરીથી દાન પ્રાપ્ત થયું. ત્યારબાદ શાળા પ્રગતિના સોપાનો સર કરતી ગઇ અને હાલમાં શાળામાં ધો-૧ થી ધો-૧૨ સુધી ના વર્ગો ચાલે છે.
સમય જતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા વિદ્યાર્થીઓને બેસવા માટે મકાન ઉણું પાડવા લાગ્યું. સ.ને.૧૯૯૧ માં મંડળ ના પ્રયત્નોથી પીપળોઇ ગામ ના દાનવીર સ્વ.બેચરભાઇ-સોમાભાઇ પટેલ ની સ્મૃત્તિમાં મંડળના કારોબારી સભ્યશ્રી નટુભાઇ સોમાભાઇ પટેલના પરિવાર ની ઉદાર સખાવતથી પ્રાથમિક શાળાના મકાનના ત્રણ ઓરડાના બાંધકામ માટે રૂ।. ૧,૭૧,૦૦૦/- નું માતબર દાન પ્રાપ્ત થયું. આ સાથે જ શ્રી બી.એસ.પટેલ પીપળોઇવાળા પ્રાથમિક શાળા જલુંધ અસ્તિવ માં આવી. બને ગામના નાગરિકો શિક્ષિત હોય અને શિક્ષણ નું મૂલ્ય સમજતા હોય અંગ્રેજી શિક્ષણ પ્રત્યે બધાની મીટ મંડાયેલી હતી તથા પ્રાથમિક શિક્ષણ દિવસે દિવસે કથળતા બને ગામના નાગરિકોની માંગથી મંડળે ઇ.સ.૧૯૯૮ માં ખાનગી પ્રાથમીક શાળા ધો.૧ થી ધો.૪ ની શરૂઆત કરવા માટે જુન માસથી ધો.૧ ના શ્રી ગણેશ કર્યા. જેના મકાન બાંધકામ માટે જલુંધ ગામના વતની અને હાલ લંડન સ્થિતશ્રી પ્રદિપભાઇ છોટાભાઇ પટેલ તરફથી તેમના પુત્રની સ્મૃતિમાં રૂ। ૨,૫૧,૦૦૦/- ના દાનની ઉદાર સખાવત મળી છે.

જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ શાળાની જરૂરિયાત પણ વધી છે. આજનો યુગ કમ્પ્યુટર યુગ કહી શકાય. શાળામાં વિશાળ કમ્પ્યૂટર લેબ ની જરૂરિયાત ઉતપન્ન થઇ તેમાં પણ શ્રી સોમાભાઇ કાળીદાસ પટેલ એ શાળાને જરૂરી માતબર દાન આપી કમ્પ્યુટર સેન્ટર ના નિર્માણ માં અમૂલ્ય ફાળો આપ્યો અને સમય સાથે જલુંધ-પીપળોઇ ગામ ના નાગરિકો તથા મંડળ ના અથાગ પ્રયત્નો ને લીધે શાળામાં વિશાળ કમ્પ્યુટર લેબ કાર્યરત છે. શાળા દિવસે દિવસે પ્રગતિ ના સોપાનો સર કરી રહી છે. જેના વિકાસમાં મંડળના હોદ્દેદારો તથા ગામના અને અન્ય બહારના દાતાશ્રીઓ કે જે શાળાના વિકાસ માં સહભાગી થયેલ છે. તે બદલ શ્રીમતી બી.સી.જે હાઇસ્કૂલ તેમનો આભાર માને છે અને શાળાને જયારે જરૂર પડશે ત્યારે ઉદાર મનના દાતાશ્રીઓ દાનની સરવાણી વડે શાળાને સહયોગી બનશે તેવી શુભેચ્છા સહ જય ભારત જય જય ગરવી ગુજરાત......                                                                    પાછા આવવા