યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
AcharynoSandesh

આચાર્યનો સંદેશ

નવા સત્રના શુભારંભે શ્રીમતી બી.સી.જે શાળા પરિવાર વતી આપ સૌને ‘પીયૂષ’-૪૭ માં અંકના માધ્યમથી પ્રથમ વખત જ મળતાં રોમાંચની લાગણી અનુભવું છુ.
     ‘‘પીયૂષ’’ શાળાનું સંસ્કારયુક્ત, શૈક્ષણિક, વિકાસની હેતુ પૂર્તિ કરતું એક માધ્યમ છે. તેનાથી શાળાની પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ વાલી તથા આમજનતા સુધી પહોંચે છે. પોતાના સંતાનોની મૌલિક પ્રતિભા પણ આ અંકના માધ્યમથી ખીલી ઉઠે છે, અને આપ સુધી પહોંચે છે.
    આપણા જલુંધ-પીપળોઇ કેળવણી મંડળના અનુભવી અને ઘડાયેલા વડીલ હોદ્દેદારોએ આપણી શાળાના સુકાની તરીકે મારી પંસદગી કરી મને શાળાની જવાબદારી સોંપી છે. મેં ફ્રેબ્રુઆરી-૨૦૦૯ થી શાળાના આચાર્યશ્રીનો ચાર્જ સંભાળ્યો છે અને આપ સૌની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા કમર કસવાની શરૂઆત કરી છે. ધો.૧૦ ના ૧૧૫ થી પણ વધુ બાળકોને વેકેશનમાં ગણિત વિષયના વર્ગો લઇ સારા પરિણામ માટે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે.
   માત્ર હું એકલો પ્રયત્ન કરું તો પરિણામ સુધરી જાય અથવા શાળા આગળ આવી જાય તેમ થવાનું નથી. આ માટે મારે આપ સહુના સહકારની ખૂબ આવશ્યકતા છે. શિક્ષણમાં ગુણવત્તા સુધારવા શાળા-વાલી અને સમાજે વધારે સજાગ રહેવું આનિવાર્ય છે. શૈક્ષણિક વિકાસ માટે સભાનતા પ્રાપ્ત થાય તેવું સુવિધાયુક્ત વાતાવરણ ઊભું થવુ જોઇએ અને પરસ્પર સહકારથી, આત્મિયતાથી, સમજપૂર્વક જવાબદારી નિભાવવી એ આપણા સૌની ફરજ બની રહે છે.
      ચાલુ વર્ષે ધો.૧૦ માં કોમ્પ્યુટર વિષય દાખલ કરેલ છે. જાગરૂકતાના અભાવે વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી અને વિજ્ઞાન યુગમાં આ વિષયની તાતી જરૂરિયાત છે. તેના તરફ વધુ સભાનતા કેળવી આવનારા વર્ષોમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવે તે ખૂબ જરૂરી છે. ધો.૧૦ ના ગણિત-અંગ્રેજી-વિજ્ઞાનના વધારાના વર્ગો પણ નિયમિત રીતે લેવાય છે. તેમાં આપના સંતાનો નિયમિત રીતે હાજર રહે તે અંગે ધ્યાન આપશો તેવી આશા રાખું છું.
     માર્ચ-૨૦૦૯ માં જે વિદ્યાર્થીઓએ ધો.૧૦ ની પરિક્ષા આપેલ છે. તેનું સુંદર પરિણામ ૮૬.૩% આવેલ છે.  આ માટે સમગ્ર કર્મચારીગણને અને જે તે વિષય શિક્ષકોને હું હ્રદયપૂર્વક અભિનંદન આપું છું, અને આવનારા વર્ષોમાં આનાથી પણ વધુ સારાં પરિણામ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવું છું. ધો.૧૨ નું પરિણામ આગળના વર્ષોની સરખામણીએ જરા વિચારણા માગી લે છે. છતાંપણ તે સારું છે જ્યાં ખામી હશે તે સુધારી લઇ વધુ સારું પરિણામ મેળવવા સૌ સાથે મળી પુરુષાર્થ કરીશું.
    શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો તથા શાળાના તમામ વિદ્યાર્થી ભાઇ બહેનોનું બ્લડગ્રુપ ચેક કરી આઇકાર્ડ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી. આ ઉપરાંત ગૌરીવ્રતમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી આ સહુ કાર્યક્રમોમાં મંડળના હોદ્દેદારોનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયેલ છે. ઉત્સાહી એવા સહમંત્રીશ્રી
રસિકભાઇએ અમૂલ ડેરી તરફથી ધો.૧૦ અને ધો.૧૨ ના પ્રથમ સ્થાને આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા રૂ.૧૦૦૦/- નું રોકડ ઇનામ પ્રાપ્ત કરાવવામાં ખૂબ સહકાર આપેલ છે.  આ બદલ હું સૌનો ઋણી છું તથા હંમેશા આવો જ સહકાર મેળવવાની અપેક્ષા રાખું છું.
ગણિત-વિજ્ઞાનનો શિક્ષક હોઇ અંતરની વાતોને અભિવ્યકત કરતાં શબ્દોની ઉણપ અનુભવું છું. કાર્યથી સુવાસ ફેલાવવા પ્રયત્ન શીલ રહીશ. અંતમાં સંસ્થાની પ્રતિભા ઉજાગર કરતા આ ‘પીયૂષ’ અંકને પ્રકાશિત કરવામાં જે કોઇના પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર છે તે સૌનો હ્રદયપૂર્વક આભાર માની વિરમું છું.
અસ્તુ.આભાર સહ,
શ્રી એન.વી.પટેલ
આચાર્યશ્રી, શ્રીમતી બી.સી.જે. હાઇસ્કૂલ, જલુંધ.

Go Back